હાલ વકરી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે અંકલેશ્વર શહેર ખાતે આવેલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલની ચકાસણી સહિત સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
કોરોનાની ત્રીજી લહેરમાં વધતા જતા કેસને લઇ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે અંકલેશ્વરની વિવિધ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ચકાસણી સહિત સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી રમેશ ભગોરા, મામલતદાર અલ્પેશ પરમાર અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુશાંત કઠોરવાલા અને પોલીસની ટીમને સાથે રાખી ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, અને આઇસીયુ સહિતની સુવિધા અંગે વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગંભીર કેસનું પ્રમાણ વધે તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ESIC હોસ્પિટલ અને જયાબેન મોદી હોસ્પિટલ સહીતની ખાનગી હોસ્પિટલોની મુલાકાત પણ લેવામાં આવી હતી. તંત્ર દ્વારા ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરું આયોજન કરી તમામ હોસ્પિટલની મુલાકાત લઇ જરૂરી સુવિધા અંગેના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.