અંકલેશ્વર તાલુકા સહિત શહેરી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ
કોસમડી નજીક 2 બંધ દુકાનોમાં ચોરી કરી તસ્કરો થયા ફરાર
કેસવ પાર્ક સોસાયટીમાંથી 2 મોટર સાયકલની કરી ઉઠાંતરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા સહિત શહેરી વિસ્તારમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ 2 બંધ દુકાનોમાં ચોરી તેમજ કેસવ પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલ 2 મોટર સાયકલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉભા થયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ સરગમ શોપિંગ સેન્ટરની 2 જેટલી બંધ દુકાનો તસ્કરોના નિશાને ચઢી હતી. અજાણ્યા તસ્કરોએ બન્ને દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ભવ્ય મેડિકલ સ્ટોરમાંથી 7 હજાર જેટલી રોકડ રકમ તેમજ કનૈયા ડેરી માંથી પરચુરણની ચોરી કરી તસક્રો ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ, વધતાં ચોરીના બનાવોના પગલે સ્થાનિક દુકાનદારોએ પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી છે. જોકે, અંકલેશ્વર GIDC પોલીસે ચોરી અંગે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ, અંકલેશ્વર શહેરના કેસવ પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલ 2 મોટર સાયકલની પણ ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અજાણ્યા તસ્કરો સોસાયટીમાં પાર્ક કરેલી 2 મોટર સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ દરમ્યાન સોસાયટી વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં તસ્કરોની તમામ કરતૂત કેદ થઈ જવા પામી હતી. આ તરફ, અંકલેશ્વર એ' ડિવિઝન પોલીસે ફરિયાદીની ફરિયાદ તેમજ CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.