ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મૂલેર ગામ નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે 2 ટ્રક ટ્રેલરને વાગરા પોલીસે ઝડપી લઇ રૂ. 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતો. તે દરમિયાન દહેજ તરફથી મૂલેર બાજુથી ટ્રેલર નંબર GJ-12-BT-9009માં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા. તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછતાછ કરતાં તેઓ કોઈપણ આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પોલીસે શંકાસ્પદ લોખંડના સળીયાનો જથ્થો જપ્ત કર્યો હતો. તો બીજી તરફ, પણ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી. જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર GJ-03-BV-8828 પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાય આવ્યું હતું. બન્ને ટ્રેલરની કિંમત રૂ. 22 લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળીયાના જથ્થાની કિંમત રૂ. 2.30 લાખ મળી પોલીસે કુલ રૂ. 24 લાખ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે જ્ઞાનેશ્વર પાટીલ, વંશ ઉર્ફે રિક્કી દેવરાજ અને ધનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.