ભરૂચ : ઝઘડીયાના જૂનાપરા ગામે મગરના હુમલામાં ગંભીર ઇજાના પગલે પશુપાલકનું મોત...

પશુ પાલક પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. તે સમયે નદીમાં અચાનક એક મહાકાય મગરે પશુપાલકના પગ પકડી પાણીમાં ખેંચી ગયો

New Update
ભરૂચ : ઝઘડીયાના જૂનાપરા ગામે મગરના હુમલામાં ગંભીર ઇજાના પગલે પશુપાલકનું મોત...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જૂનાપરા ગામ ખાતે મગરના હુમલામાં 50 વર્ષીય પશુપાલકનું ગંભીર ઇજાના પગલે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડીયા તાલુકાના જૂનાપરા ગામના 50 વર્ષીય પશુપાલક વિનુ વસાવાનું મગરના હુમલામાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વિનુ વસાવા ગામ નજીક નર્મદા નદીના કિનારે પશુઓ ચરાવવા ગયા હતા. તે દરમ્યાન નદીમાંથી પશુઓ જલ્દી બહાર નહીં આવતા વિનુ વસાવા પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. તે સમયે નદીમાં અચાનક એક મહાકાય મગરે વિનુ વસાવાને પગમાંથી પકડી લઈ પાણીમાં ખેંચી ગયો હતો.

તેઓએ બૂમાબૂમ કરતા નજીકમાં રહેલ ખેતમજૂરો દોડી આવ્યા હતા, અને વિનુ વસાવાને મગરના મુખમાંથી છોડાવ્યા હતા, જ્યાંથી તેઓને બેભાન હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના અવીધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે વિનુ વસાવાને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પર હાજર ગામના વ્યક્તિ નિલેશ વસાવાએ રાજપારડી પોલીસમાં બનાવ અંગે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories