ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે અવારનવાર ખુલ્લી ગટરોમાં વાહનો ખાબકતા પાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ પાલિકા વિસ્તારોમાં આવેલી ખુલ્લી ગટરોમાં અનેક વખતે વાહનો ખાબકતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા શહેરના હાર્ડસમા પાંચબત્તી ખાતે 2 કાર પણ ખુલ્લી ગટરમાં ખાબકી હતી, જ્યારે આજરોજ સવારના સમયે ફાટા તળાવ વિસ્તારમાંથી રેતી ભરીને એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ટ્રક ખૂલ્લી ગટરમાં ખાબકતાં ટ્રક ગટરમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે રેતી માર્ગ પર પડી હતી. ટ્રક ગટરમાં પડતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે, ફાટા તળાવ વિસ્તારમાં કેટલા સમયથી રોડ અને રસ્તાનું અધૂરું કામ હોવાના કારણે વારંવાર ખુલ્લી ગટરમાં વાહનો પડતા લોકોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.