લોકશાહીના પાવન પર્વમાં ભરૂચ જિલ્લાના મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ EVM નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
લોકસભા-2024ની ચૂંટણીને અનુલક્ષીને મતદારો વધુ જાગૃત બને તે હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ EVM નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરે તે માટે નિદર્શન વાનમાં EVM ડેમોસ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે, નિદર્શન વાન સમગ્ર જિલ્લામાં EVM મશીનમાં મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે લોકજાગૃતિનું કાર્ય કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, LED મોબાઇલ વાનની LED સ્ક્રીન પર EVM-VVPAT વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વીડીયો પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ EVM નિદર્શન વાન થકી મતદારો મતદાનની પદ્ધતિથી માહિતગાર થશે. વધુમાં વાન સાથે EVM ફોટો સ્ટેન્ડ રહેશે, જેની સાથે મતદારો ફોટો/સેલ્ફી પડાવી શકશે. આ પ્રસંગે, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અમિત પરમાર, ભરૂચ મામલતદાર સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.