Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીને રૂ. 3 કરોડનો ચૂનો ચોંપડનાર કંપનીના જનરલ મેનેજર સહિત 6 આરોપી ઝબ્બે

GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી કરોડો રૂપિયાની છેતરપિંડી આચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઇડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી કરોડો રૂપિયાની છેતરપિંડી આચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લાખાન હજરાતુલ્લાખાન, રોયલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર ધર્મેશ, સુપરવાઇઝર રહેમતુલ્લાખાન, વે-બ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ, વિલાયત ગામના સરફરાઝ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, ટેમ્પો ટ્રાઈવર સંજયકુમાર સહિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના જનરલ મેનેજર જીજ્ઞેશ મહેતાએ સાથે મળી આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું કાવતરું રહ્યું હતું. જેમાં આઇસર ટેમ્પોની જગ્યાએ અન્ય વાહનનો વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતા ઓછું વજન કરાવી કંપની સાથે છેતરપીંડી કરી હતી. એટલું જ નહીં, આરોપી અજમતુલ્લાખાન, રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર ધર્મેશ તથા આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના જનરલ મેનેજર જીજ્ઞેશ મહેતાએ કંપનીને વર્ષ 2017થી આજદિન સુધીમાં જ્યારે-જ્યારે પણ રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર ધર્મેશ યેન-કેન પ્રકારે આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીનું ટેન્ડર મેળવી કંપની સાથે છેતરપીંડી કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં આશરે 456 ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર નીકળી હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે રૂ. 3 કરોડ 12 લાખ 20 હજારની છેતરપીંડી કરનાર 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે પોલીસ પકડથી દૂર અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે.

Next Story