Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 35 વર્ષની સરકારી નોકરી બાદ મળશે માત્ર 2 હજાર રૂા. પેન્શન, કર્મીઓનો વિરોધ

સરકારી કર્મચારીઓ હવે તેમની માંગણીઓ સંદર્ભમાં આંદોલનના મિજાજમાં દેખાઇ રહયાં છે.

X

ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં અને વર્ષ 2005 કે ત્યારબાદ ભરતી થયેલાં કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરી છે. રાજય સરકાર તરફથી વિવિધ સંવર્ગમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હોય છે. વર્ષ 2005 કે ત્યારબાદ ભરતી પામેલાં સરકારી કર્મચારીઓ માટે નવી વર્ધિત પેન્શન યોજના ફરજિયાતપણે લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના નિર્ણય સામે કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. ગુજરાત રાજય કર્મચારી મહામંડળના નેજા હેઠળ કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના કર્મચારીઓએ એકત્ર થઇ તેમની માંગણી દોહરાવી હતી. ગુજરાત રાજય કર્મચારી મહામંડળના ભરૂચ જિલ્લાના પ્રમુખ દેવેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, નવી પેન્શન યોજના શેરબજાર આધારિત છે. સરકારમાં 35 થી 37 વર્ષ નોકરી કર્યા બાદ કર્મચારી જયારે નિવૃત થશે ત્યારે તેને માત્ર 2 હજાર રૂપિયા પેન્શન મળશે જે યોગ્ય નથી.

સરકારી કર્મચારીઓ હવે તેમની માંગણીઓ સંદર્ભમાં આંદોલનના મિજાજમાં દેખાઇ રહયાં છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે દેખાવો કર્યા બાદ કલેકટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અન્ય એક કર્મચારી આગેવાન સુભાષ વસાવાએ જણાવ્યું હતું કે, જુની પેન્શન યોજના લાગુ કરવા અમે અવારનવાર વિરોધ પ્રદર્શન કર્યા છે. જો સરકાર અમારી માંગણીઓ નહિ સ્વીકારે તો આંદોલનને જલદ બનાવવામાં આવશે.

Next Story