રાજયમાં ગ્રામપંચાયતની ચૂંટણીના પડઘમ વચ્ચે અંકલેશ્વરની સુરવાડી ગ્રામપંચાતની ચૂંટણીમાં વિવાદ જોવા મળી રહયો છે. સુરવાડી ગામના પૂર્વ મહિલા સરપંચે ગત ચૂંટણીમાં અનૂસુચિત જાતિના હોવાનું તો આ વખતે રાજપૂત હોવાનું પ્રમાણપત્ર બતાવતા વિવાદ ઉભો થયો છે. ભરુચ જીલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્વે જાતિનો વિવાદ ઉભો થયો છે. અંકલેશ્વરના સુરવાડી ગામના પૂર્વ મહિલા સરપંચ મધુ પરમાર ગત ચૂંટણી અનુસૂચિત જાતિના હોવાનું દર્શાવી સમરસ ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે આરુઢ થયા હતા.
જો કે આ ચૂંટણીમાં સામાન્ય સીટ હોય તેઓ સામાન્ય જ્ઞાતિના હોવાનો પ્રમાણપત્ર બહાર આવ્યું છે જેના પગલે વિવાદ ઊભો થતો છે. ગામના જ આગેવાન મહેશ વસાવાએ આ અંગે આર.ટી.આઈ.માં માહિતી માંગી હતી જેમાં વિગત બહાર આવી છે.સુરવાડી ગામના મહિલા સરપંચ મધુબેન સોલંકી ગત ચૂંટણીમાં રાજ્ય સરકાર પ્રમાણિત અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રજુ કરી અનુસૂચિત જાતિ આરક્ષિત બેઠક પર ચૂંટણી લડ્યા હતા ને તેઓસરપંચ બન્યા હતા. જે તે વખતે ચૂંટણીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તેમાં હિન્દુ માહ્યાવંશી દર્શાવ્યું હતું. હાલ ટર્મ પૂર્ણ થતા ગામમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ આચારસંહિતા લાગુ પડી છે ત્યારે પુનઃ પૂર્વ સરપંચ મધુબેન રતનસિંહ સોલંકી દ્વારા સરપંચ માટેની દાવેદારી કરી છે. જો કે પોતે હિન્દુ માહ્યાવંશી બેઠક પરથી ગત ટર્મમાં ચૂંટણી લડ્યા હતા અને પંચાયત સમરસ થતાં તેઓ સરપંચ બન્યા હતા.હવે સામાન્ય બેઠક છે ત્યારે અચાનક તેમને જાતિનું પ્રમાણ પાત્ર બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર બન્યું છે.
આ સમગ્ર વિવાદ અંગે ગામના પૂર્વ સરપંચ મધુબહેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેઓએ જણાવ્યુ હતું કે તેઓએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે અને તેઓએ માહયાવાંશી સમાજમાં લગ્ન કર્યા હતા. ગત ચૂંટણીમાં તેઓને ઉમેદવારી નોંધાવવા માટે આગેવાનોએ કહ્યું હતું માટે તેઓએ ઉમેદવારી નોંધાવી સરપંચ બન્યા હતા હવે કેટલાક આગેવાનોએ તેમના પરિવારજનોને ચૂંટણીમાં ઊભા રાખવા છે માટે ખોટા આક્ષેપ કરી રહયા છે
આ અંગે ગ્રામજનોને પૂછતા તેઓએ આ સમગ્ર વિવાદ રાજકારણના કારણે હોવાનું જણાવ્યુ હતું અને કહ્યું હતું કે કેટલાક લોકો રાજકારણના કારણે ગામનો વિકાસ બાજુ પર મૂકી રહ્યા છે. પંચાયતી રાજનો સૌથી મોટો લોક ઉત્સવગ્રામપંચાયતની ચૂંટણી અગાઉ આવા અનેક વિવાદો જોવા મળી રહ્યા છે ત્યારે વિવાદો ટાળી ગામના વિકાસ માટે પગલાં ભરવામાં આવે એ જરૂરી છે