/connect-gujarat/media/post_banners/591d083e00e948aaf6a2dce9df8b52a006ce5773f0279da89112a5d3b611d468.jpg)
ખાનગી કંપનીઓને માટીનો જથ્થો પુરો પાડવાના બદ ઇરાદાથી તંત્રની આંખમાં ધૂળ ઝોંકી 300 જેટલા વૃક્ષોના નિકંદનની મંજૂરી સામે ભરૂચના સિતપોણ સહિતના ખેડૂતો અને ગ્રામજનોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, ભરૂચ તાલુકાના કહાન, સેગવા, વરેડીયા, સિતપોણ ગામ કે, જે ભુખી ખાડી નજીક આવેલા ગામો છે, ત્યારે ભરૂચ ગ્રામ્ય મામલતદારની 292 જેટલા વૃક્ષો કાપવાની મંજુરી સામે ગ્રામજનોએ સખત વાંધો ઉઠાવ્યો છે. જેથી તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ સાથે સામાવાળા ખાનગી બિલ્ડર કોન્ટ્રાક્ટર સાથેના મેળાપીપણામાં આવીને આ વિસ્તારમાં કંપનીને માટીની અત્યંત જરૂરિયાત હોય જેથી વિપુલ પ્રમાણમાં માટીનો જથ્થો નજીકથી મળી રહે તેવા સગવડિયા હેતુથી ભુખી ખાડીનું બહાનુ બનાવી માટી ઉલેચી લેવાના બાલીશ પ્રયત્ન છે. કોઇપણ કાંસ ઊંડી કરે તે સ્વાભાવિક છે, પણ ઊંડી ખોદેલી માટી કાંસની બંને સાઇડ પર પાળો બનાવવામાં વાપરવી જોઈએ. નહી કે, ત્યાંથી ઉપાડી અન્ય કોઇ જગ્યાએ લઇ જઇ ઉપયોગ કરવો. ગ્રામ્ય મામલતદાર દ્વારા 292 જેટલા વૃક્ષો કાપવા જે પરવાનગી આપવામાં આવી છે તે ગેરવ્યાજબી છે. જ્યાં સુધી અન્ય જગ્યાએ ડબલ ઝાડનું વાવેતર કરી પ્રમાણસર કરવામાં ન આવે ત્યાં સુધી મામલતદારે કરેલ હુકમને પેન્ડીંગ રાખવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ તપાસ સમિતિ સ્થળ તપાસ કરાવી અને આજુબાજુના ગ્રામજનોના નિવેદન લઈ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતમાં 6 સભ્યોના રાજીનામા અપાઇ ગયા છે, અને હાલ માત્ર 2 જ સભ્ય હોય, તો તેઓએ રજૂ કરેલ ગ્રામ પંચાયતના ઠરાવ પણ શંકાસ્પદ છે. તેથી તેની પણ તપાસ કરવા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.