ભરૂચ જિલ્લાના નવા શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોરના ગ્રામજનોએ ભરૂચ વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચના નવા શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોર ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને પૂર્વ પટ્ટીના અન્ય ગામના ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપી આવી ગેરકાયેદસર પ્રવુતિઓ બંધ કરાવવાની માંગ કરી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કે, આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે, દારૂ, જુગાર, આંકડા, માટી ખનન અને રેત ખનન જેના ઉપર પોલીસ પ્રશાસન અંકુશ મેળવવા સદંતર નિષ્ફળ નિવડ્યા છે, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ બેફામ બની ખુલ્લેઆમ પોતાના કારોબારને અંજામ આપી રહ્યા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ ડામવા માટે વારંવાર પોલીસ અને જે તે જિલ્લા પ્રશાસનને રજૂઆતો કરી છે. પરંતુ ભ્રષ્ટાચાર આચરી આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જ્યારે પણ ગ્રામજનો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈપણ સવાલ ઉઠાવે કે, જાણ કરે તો પોલીસ મથકે ફોન કરનારનું નામ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સુધી પહોંચાડવામાં આવે છે, ત્યારે આવા લોકોને નાના નાના ઝગડામાં તડીપાર કરવામાં આવે છે. તેથી ગેરકાયદેસર પ્રવુતિ કરનારા તત્વો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.