ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણનો પર્વ એકંદરે કોઇ મોટી હોનારત વિના પુર્ણ થયો હતો. જોકે, વાસીઉત્તરાયણના દિવસે દોરાથી ગળું કપાવાના બે બનાવો બન્યાં હતાં. જેમાં વાગરાની મોસમ ચોકડી પાસે બાઇક પર આગળ બેસેલાં બાળકનું ગળુ કપાય જતાં તેનું કરૂણ મોત નીપજયું હતું
ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે, રવિવારે વાસીઉત્તરાયણના દિવસે દોરાથી ઘવાયાના બે બનાવો બન્યાં હતાં. જેમાં વાગરા તાલુકામાં આવેલાં મોસમ ચોકડી નજીક એક શખ્સ 8 વર્ષીય બાળકને બાઇક પર આગળ બેસાડી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં પતંગનો દોરો વચ્ચે આવતાં તે દોરો આગળ બેસેલાં બાળકના ગળામાં આવી જતાં તેનું ગળું કપાઇ જતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યો હતો.જ્યાં તેનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. બીજી તરફ અંગારેશ્વર ગામે ધરતી કિરણસિંહ રાઠોડ નામની એક તરૂણી તેની એક્ટિવા લઇને જઇ રહી હતી. તે વેળાં તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં ગળું કપાતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાનું માલુમ પડ્યું હતું.