Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના નવા ડેપો નજીક અકસ્માતની ઘટના, કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો...

આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે

ભરૂચ : આમોદના નવા ડેપો નજીક અકસ્માતની ઘટના, કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો...
X

ભરૂચ જિલ્લાના આમોદ નગરના નવા ડેપો નજીક હાઇવે નંબર 64 પર માર્ગ બિસ્માર હોવાના કારણે કાર ચાલક સર્વિસ રોડ પર ખાડાને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર રોંગ સાઈડમાં આવી જઈ બાઈક સવારને અડફેટમાં લેતા 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે આમોદ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આમોદના નવા ડેપો નજીક બાઇક નં. GJ-12-BQ-8263 સર્વિસ રોડ પર સાઈડમાં બાઈક ઉભી રાખી દવાખાનાનું લોકેશન ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન એક ઇકો કાર નં. GJ-06-LK-4644નો ચાલક રસ્તા પરના ખાડાઓથી બચવા રોંગ સાઇડ પર બેફામ કારને હંકારીને આવતા સાઈડમાં ઉભેલ બાઈકને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.

ઘટનાના પગલે બાઈક પર સવાર અનિલ પટેલ અને પૂનમ પટેલને ગંભીર રીતે ઇજા પહોચતા સ્થાનિકોએ બન્નેને સારવાર અર્થે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, બેફામ વાહન હંકારતા લોકો સામે પણ પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓનું સમારકામ હાથ ધરાય તો કેટલીક હદે અકસ્માતની ઘટનાઓ પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે.

Next Story