Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા ગેંગવોરના મુખ્ય સૂત્રધાર સહિત 5થી વધુ માથાભારે તત્વોની ધરપકડ, જુઓ સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું..!

X

ઝઘડીયામાં 2 જૂથ વચ્ચે થયેલ ગેંગવોરનો મામલો

8થી 10 રાઉન્ડ ફાયરીંગ, 10થી વધુ કારમાં નુકશાન

માથાભારે તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ : સાંસદ

પોલીસે ગણતરીના કલાકોમાં કરી બતાવી કામગીરી

મુખ્ય સૂત્રધાર સહિત 5થી વધુ લોકોની કરી ધરપકડ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC વિસ્તારમાંથી ગતરોજ ધંધાકીય હરીફાઈમાં 8થી 10 રાઉન્ડ ફાયરિંગ થતાં ગેંગવોરની ઘટના સામે આવી હતી. આ સાથે જ વાહનોમાં તોડફોડ કરાવવા પાછળ મોટા માથાઓનો હાથ હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કરી વહિવટી તંત્રની નિષ્ફળતાના કારણે આ ઘટના બની હોવાનું જણાવ્યુ હતું. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર સહિત 5થી વધુ માથાભારે તત્વોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC વિસ્તારમાં ગત તા. 3 જૂનના રોજ 2 જૂથ આમને સામને આવી જતાં ગેંગવોરની ઘટના સર્જાય હતી. કહેવાય છે કે, ઝઘડીયા GIDCમાં નવા ઉદ્યોગો આવી રહ્યા છે, ત્યારે માટીકામ, બાંધકામ, લેબરવર્ક સહિતના કોન્ટ્રાક્ટ માટે ગેંગવોરના મંડાણ થયા છે. આ બન્ને જૂથ વચ્ચે છેલ્લા 2 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર અને યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા પર અન્ય કોન્ટ્રાકટરના સાગરિતોએ ઝઘડીયા GIDC વિસ્તારમાં જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી હતી. આ ઘટનામાં 8થી 10 કારમાં ધસી આવેલાં હુમલાખોરોએ 8થી 10 રાઉન્ડ ગોળીબાર કરવા સાથે 10થી વધુ કારમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં એક યુવાનને માથામાં ધારિયું વાગતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવના પગલે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિત ઝઘડીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં સ્થળ પરથી પોલીસે ફૂટેલી કારતૂસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ, ધંધાકીય હરીફાઈમાં થયેલ ગેંગવોર મામલે ઝઘડીયા તાલુકાના તલોદરા ગામ ખાતે સાંસદ મનસુખ વસવાની આગેવાનીમાં બેઠક યોજાય હતી. બેઠક દરમ્યાન ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ આ મામલે અગાઉથી ધ્યાન નહીં આપ્યું હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, ઉદ્યોગપતિઓ પણ માથાભારે તત્વોને પ્રોત્સાહન આપતા હોવાનું સાંસદે જણાવ્યુ હતું. ઉપરાંત બન્ને જૂથમાંથી કોઈપણ માથાભારે તત્વ હોય તો તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી હતી, ત્યારે ઝઘડીયા ગેંગવોર મામલે પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી છે. પોલીસે ગણતરીના 21 કલાકમાં જ મુખ્ય સૂત્રધાર સહિત દહેશત ફેલાવનાર 5થી વધુ લોકોની ધરપકડ કરી છે, ત્યારે હાલ તો આ ગેંગવોરમાં કોણ કોણ સામેલ છે, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story