Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન પર “પ્રતિબંધ”, શહેરમાં 3 કુત્રિમ કુંડનું કરાશે નિર્માણ...

આગામી ગણેશ મહોત્સવને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ગણેશ ઉત્સવના આયોજકો વચ્ચે બેઠક યોજાય હતી.

X

આગામી ગણેશ મહોત્સવને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ગણેશ ઉત્સવના આયોજકો વચ્ચે બેઠક યોજાય હતી. જેમાં નર્મદા નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પાબંદી સાથે નાની મૂર્તિઓને 3 કૃત્રિમ કુંડમાં અને મોટી પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ ગણેશ મંડળોએ પ્રથમ પૂજનીય દેવ ગણેશોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભરૂચમાં રોજે રોજ વિવિધ યુવક મંડળની શોભાયાત્રાઓ પણ નીકળી રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર પણ ગણેશ મહોત્સવને લઈ આયોજનમાં જોતરાઈ ગયું છે, ત્યારે આજે મંગળવારે ભરૂચ કલેકટર કચેરી ખાતે પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા અને ડીવાયએસપી સી.કે.પટેલની અધ્યક્ષતામાં ગણેશ આયોજકો સાથે બેઠક યોજાઇ હતી. ભરૂચ શહેર અને આસપાસના ગામોના 5 ફૂટ સુધીના શ્રીજીનું વિસર્જન 3 કૃત્રિમ કુંડમાં કરવા આયોજન હાથ ધરાયુ છે. ભરૂચમાં જે.બી.મોદી પાર્ક, ઝાડેશ્વર સાંઈ મંદિર અને મકતમપુર ખાતે કૃત્રિમ કુંડ નિર્માણ કરાશે. જેમાં નર્મદા નદી સહિત 3થી 5 નદીઓના પવિત્ર જળ ભરવામાં આવશે. મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન દરિયામાં ભાડભૂત ખાતે કરવાનું આયોજન કરાયું છે. નર્મદા નદીમાં સુપ્રીમ કોર્ટ અને NGTની ગાઈડલાઇન મુજબ મૂર્તિ વિસર્જિત કરી શકાશે નહીં. જોકે, ગણેશ મંડળના આયોજકોએ નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જનની મંજૂરી આપવા અથવા ગોલ્ડન બ્રિજ નીચે જ નાની પ્રતિમાઓ માટે એક વિશાળ કુંડ બનાવવા માંગ કરી હતી, જ્યારે ભાડભૂતમાં ફાયર સેફ્ટી સહિત તરવૈયાની ટીમ વચ્ચે ક્રેઇન દ્વારા જ વિરાટ મૂર્તિઓનું વિસર્જન હાથ ધરાય તેવો આગ્રહ સેવ્યો હતો.

Next Story