/connect-gujarat/media/post_banners/424627ae2d381486fcd6a8e4c6b6519894e24b1a1b2a464567d099379b23d1d9.jpg)
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે, જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે. તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. એટલું જ નહીં, તમામ પ્રતિમાઓને રંગરોગાન સાથે શણગાર કરી આખરી ઓપ આપી રહ્યા છે. આસો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે, માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં પ્રતિમા ઓગળી જશે, અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈપણ જાતનું પ્રદુષણ થતું નથી. જોકે, કોરોના કાળના 2 વર્ષ બાદ આયોજકોમાં પણ દુર્ગા મહોત્સવની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.