ભરૂચ શહેરમાં જુના એસટી ડેપોની જગ્યા પર સેન્ટ્રલ બસ ડેપોની સાથે સાથે હવે ભોલાવમાં સેટેલાઇટ બસ ડેપોનું નિર્માણ કરાશે. 4.50 કરોડ રૂપિયાના ખર્ચથી બનનારા ડેપોનું ભુમિપુજન કરવામાં આવ્યું..
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)નું ડેપો ભરૂચમાં સ્ટેશન રોડ પર આવેલું છે. આ જગ્યાનો પીપીપી ધોરણે વિકાસ કરી ત્યાં શોપિંગ સેન્ટર અને સેન્ટ્રલ બસ ડેપો બની રહયું હોવાથી ડેપોને ભોલાવ ખાતે સ્થળાંતરિત કરી દેવાયું છે. હવે નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે અને એસટી બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઇ રહી છે. આવા સંજોગોમાં ભોલાવ ડેપોનું આધુનિકિકરણ જરૂરી બન્યું છે. રાજય સરકારે ભોલાવ ખાતે 45 કરોડ રૂપિયાના ખર્ચથી સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનાવવાનું નકકી કર્યું છે જેથી ભરૂચ તથા આસપાસના લોકોને સરળતાથી એસટી બસની સુવિધા મળી શકે. નવા નિર્માણ પામનારા બસ સ્ટેન્ડનું શુક્રવારના રોજ ભુમિપુજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે માર્ગ અને પરિવહન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી, સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, RRC ફ્રેમમાં નિર્માણ પામનાર ગ્રાઉન્ડ પલ્સ વન બસ સ્ટેશનમાં મુસાફરો માટે ની તમામ સુવિધાઓથી સજજ હશે. રાજયની તમામ ST બસ જુના NH 8 પરથી પસાર થતી હોય આ આંતરરાજ્ય એસ.ટી.બસોને ભોલાવ બસ સ્ટેશનમાં અંદર અને બહાર નીકળવાની જગ્યા નહિ હોવાથી બસો બહાર જ ઉભી રાખવી પડે છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ભરૂચ ભોલાવ બસ સ્ટેશનને સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા નક્કી કરાયું છે.