ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક બિસ્માર માર્ગના કારણે ત્રસ્ત ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે, સ્થાનિક પોલીસે લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા બિસ્માર માર્ગના કારણે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. બિસ્માર્ગ માર્ગના પરથી ઊડતી ધૂળના કારણે લોકોને અનેક બીમારીઓ થાય છે. વાહનોને પણ નુકસાન થાય છે, તેમજ અકસ્માતો પણ વધ્યા છે, ત્યારે આ માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. તેવામાં ખરચી ગામ નજીક સ્ટેટ હાઇવે પર ગ્રામજનોએ ટ્રેક્ટર, પથ્થરો તેમજ બાઇકો આડી મૂકી ચક્કાજામ કર્યો હતો.
સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ થતા જ ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને માર્ગ ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો. પરંતુ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ સમસ્યાનું સમાધાન જલ્દીથી નહીં કરવામાં આવે તો, ફરીથી આ માર્ગ બંધ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.