Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી બાદ ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્કની પ્રથમ સામાન્ય સભા મળી

ભરૂચ : બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી બાદ ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્કની પ્રથમ સામાન્ય સભા મળી
X

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની 114મી વાર્ષિક સાધારણ સભા શનિવારના રોજ બેન્કના સભાખંડમાં મળી હતી. સાધારણ સભામાં વર્ષ 2020-21ના વાર્ષિક અહેવાલો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કમાં સતત 7મી વખત બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયેલા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચેરમેન અરુણસિંહ રણાએ છેલ્લા 22 વર્ષમાં તેમના નેતૃત્વમાં બેન્કે કરેલી પ્રગતિનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, ગત વર્ષોમાં બેન્કમાં 72 કરોડનું દેવું હતું. પરંતુ સૌ સભાસદો, કિસાનો અને થાપણદારોના વિશ્વાસ તથા ડિરેક્ટરો અને કર્મચારીઓના સાથ સહકારથી બેન્કે એક પછી એક સફળતાનાં શિખરો સર કર્યા છે. આજે ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્ક ખોટ કરતી સંસ્થાના સ્થાને નફો કરતી બેન્ક બની છે. ચાલુ વર્ષે બેન્કનો ચોખ્ખો નફો રૂ. 76 લાખ ઉપરાંત છે. સૌના સાથ અને સહકારથી ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કે ગુજરાતમાં સૌથી વધુ 22 ટકા ડિવિડન્ડ આપતી બેંકનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કના ચેરમેન અરુણસિંહ રણાએ બેન્કની નાણાંકીય સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, બેન્કનું શેર ભંડોળ 6.82 કરોડ અને રિઝર્વ ફન્ડ 221 કરોડ રૂપિયા છે, જ્યારે થાપણદારોએ વિશ્વાસ રાખી બેન્કમાં મુકેલી થાપણો રૂપિયા 1158 કરોડ છે. જ્યારે બેન્કે પાછલા વર્ષમાં રૂપિયા 720 કરોડનું કિસાનોને ધિરાણ કર્યું છે. બેન્કે અત્યાર સુધીમાં 549 કરોડ રૂપિયાનું સુરક્ષિત રોકાણ કર્યું છે. આમ બેન્કે તેના સભાસદો, કિસાનો અને થાપણદારોના વિશ્વાસને છેલ્લા 22 વર્ષમાં તૂટવા નથી દીધો તેમ વધુમાં ઉમેરી તમામ સભાસદો અને થાપણદારોનો આભાર માન્યો હતો.

Next Story