ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારિયા ગામે માથાભારે શખ્સોએ વિધવા મહિલાના મકાનમાં તોડફોડ કરી નુકશાન પહોચડવાના મામલે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ચમારીયા ગામમાં રહેતી વૃદ્ધ વિધવા મહિલાના મકાનમાં તોડફોડ અને લૂંટના બનાવ અંગે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. 10મી ઓક્ટોબરના રોજ રજની વસાવા, રાજુ વસાવા, વિનય વસાવા તેમજ અન્યો શખ્સોએ વૃદ્ધ વિધવાના મકાને ધસી આવ્યા હતા. વૃદ્ધાનો પુત્ર બજાર ગયો હતો, તે દરમ્યાન માથાભારે શખ્સોએ મકાનમાં તોડફોડ કરી રૂપિયા તેમજ દાગીના લૂંટી વૃદ્ધા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં વૃદ્ધા અને તેના પુત્રને ગામ છોડી દેવા કહી રવાના થઈ ગયા હતા. જોકે, થોડા દિવસ બાદ પણ બન્નેને ધમકી આપવામાં આવી હતી. આ બાબતે વાલિયા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થતાં હોવાના આક્ષેપ સાથે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.