/connect-gujarat/media/post_banners/aef9751b20b4c48e2933546dfd5ed1a78fdc5abb33525603a44bd11559fc2ac2.webp)
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સમગ્ર દેશ અને રાજ્યમાં આન બાન અને શાન સાથે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સેવાશ્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ તંત્ર દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોગ નિર્દેશન સહિતના વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના આ પર્વની ઉજવણી નિમિત્તે તમામ નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી.