શ્રાવણ માસમાં અનેક ઉત્સવો અને તહેવારોની સાથે મેઘઉત્સવ અને છડી ઉત્સવનું પણ ઘણું મહત્વ રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં વસતા ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા આજે દશમના દિવસે છડી ઝુલાવી છડી ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં છડી ઉત્સવ અને છડીના દર્શન લોકોમાં અનેરો મહિમા ધરાવે છે. આ છડી પર્વમાં મહારાજ ઘોઘારાવના સ્થાનકનો જે થાળ હોય છે, તે થાળ ભક્તોના માથા ઉપરથી પસાર થાય તો તેઓ રોગમુક્ત રહેતા હોવાની પણ માન્યતાઓ રહેલી છે. ખારવા, ભોઈ અને વાલ્મિકી સમાજના લોકો જાહેર માર્ગ પર છડી ઝુલાવતા ઝુલાવતા ઘોઘારાવ મંદિરના સ્થાનકે નોમના રોકાણ બાદ દશમના દિવસે સવારે પરત ફરતા હોય છે. જેમાં ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભોઈ પંચ અને ખારવા પંચની છડી નોમનું રોકાણ કરતી હોય છે. દશમના દિવસે ધોળીકુઈથી દાંડિયાબજાર, હાજીખાના બજાર અને ગોલવાડ થઈ ભોઈ પંચની છડી ઘોઘારાવના મંદિરે સમાપન થતી હોય છે. એક તરફ ખારવા પંચની છડી સોનેરી મહેલ થઈ કોઠી, કતોપોર, ચારરસ્તા થઈને વેજલપુર ખારવા પંચના ઘોઘારાવ મંદિરે પહોંચે છે.
તો બીજી તરફ લાલ બજારના વાલ્મીકિ પંચની છડી પણ ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ આલી કાછીયાવાડના વાલ્મીકિ વાસમાંથી નીકળી લાલબજાર થઈ ઘોઘારાવ મંદિરના સ્થાનકે પહોંચે છે. આમ ત્રણેય છડી દશમની સંધ્યા કાળે પોતપોતાના ઘોઘારાવ મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોતથી ઝુમ્મર હલવા સાથે આ અખંડ જ્યોત આપોઆપ બુઝાઈ જતી હોય છે, ત્યારે આ નજારો જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે. જોકે, અખંડ જ્યોત બુઝાઈ જતાં જ ભવ્ય છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે.