રાજ્ય સરકાર એક તરફ સારા શિક્ષણની વાતો કરે છે, ત્યારે ભરૂચ શહેરના નીલકંઠનગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા બાળકો ભણવા માટે મજબુર બન્યા છે, ત્યારે આ આંગણવાડી કેન્દ્રની હાલત જોઈ તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે.
બાળકોએ આપણાં દેશના આવતીકાલનું ભવિષ્ય છે, તેમના ઉજ્જવળ ભાવિ થકી જ દેશના વિકાસની હરણફાળની દિશા નક્કી થાય છે, ત્યારે આવતીકાલના ભવિષ્ય સાથે જ સરકારી તંત્ર એવા ગંભીર ચેડા કરી રહ્યું છે કે, કુમળી વયના બાળકો આંગણવાડીમાં દરરોજ મોતના અને ગંદકીના ઓથાર નીચે ભણવા મજબૂર બની ગયા છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 3માં આવેલી નીલકંઠનગરની આંગણવાડી કેન્દ્રમાં 15થી વધુ નાના બાળકો ભણવા આવે છે. આ બાળકો જે જગ્યાએ ભણવા જાય છે, તે આંગણવાડીની છત ગળતા શિયાળામાં પણ ચોમાસા જેવી હાલત સાથે આગળ આવેલી અન્ય જૂની પ્રાથમિક શાળા જેવી જર્જરીત હાલતમાં આવી ગઈ છે. જેનો ઉપયોગ અસામાજિક તત્વો હવે શૌચાલય, કચરાપેટી તરીકે કરતા નજીકમાં ચાલતી આંગણવાડીમાં આવતા કર્મચારી મહિલા અને બાળકો સહિત વાલીઓ માટે માથાના દુઃખાવા સમાન બની જવા પામી છે.
જોકે, ગુજરાત સરકાર એક તરફ શિક્ષણની વાતો કરે છે, ત્યારે ભરૂચની નીલકંઠ સોસાયટી નજીક આવેલ આંગણવાડીની હાલત જોઈ તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. આ બાબતે કનેક્ટ ગુજરાતની ટીમે બિસ્માર આંગણવાડીની મુલાકાત લીધી, ત્યારે મહિલા કર્મચારીઓ અને વાલીઓએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, અમે અમારા બાળકના પગભર થવા અને જ્ઞાન માટે આંગણવાડીમાં મોકલતા હોય છે. પરંતુ ગંદકી સાથે પાણી ગળતી આંગણવાડીમાં બાળકોના ભવિષ્ય સામે જીવનું જોખમ પણ જોતા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી છે. જો વહેલી તકે આ દુષણો દૂર નહીં કરવામાં આવે તો અમે અમારા બાળકોને ભણવા મોકલવાનું બંધ કરીશુ.