ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ નગરપાલિકા તથા સહયોગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત અંતર્ગત ક્લીન ઈન્ડિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત અંતર્ગત યોજાયેલ ક્લીન ઈન્ડિયા રેલી ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને સ્વચ્છતા અંગે સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં યોજાયેલ રેલીમાં હાજર સૌકોઈએ હાથમાં પ્લે-કાર્ડ અને બેનર સહિત સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ ફેલાવી હતી. આ ઉપરાંત તા. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ભરૂચ શહેરના તમામ 11 વોર્ડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, નગરસેવકો સહિત વિવિધ સહયોગી સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.