Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોવીડ સ્મશાનમાં 35 દિવસ બાદ સળગી ચિતા, કોરોનાના દર્દીનું મોત

છેલ્લે જુન મહિનામાં બે મૃતદેહ આવ્યાં હતાં, જિલ્લામાં કોરોનાથી મૃત્યુની બની ઘટના.

X

ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે આવેલાં સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે 35 દિવસના વિરામ બાદ ફરી કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યો હતો. કોરોનાથી મોતનો કિસ્સો સામે આવ્યાં બાદ લોકો આને ત્રીજી લહેરની શરૂઆત ગણાવી રહયાં છે.

ગત વર્ષે શરૂ થયેલી કોરોનાની મહામારીની ત્રીજી લહેરની શકયતાઓ જોવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં લાંબા સમય બાદ કોરોનાથી દર્દીના મોતનો કિસ્સો સામે આવતાં લોકો આને કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત ગણાવી રહયાં છે. રાજયમાં એક માત્ર ભરૂચમાં સ્પેશિયલ કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે પાવન સલિલા મા નર્મદાના તટે બનેલું સ્પેશિયલ કોવીડ સ્મશાન કોરોનાની પહેલી અને બીજી એમ બંને લહેરનું સાક્ષી રહયું છે. કોરોનાની પહેલી લહેરમાં કોઇ મૃતદેહની નજીક જવા તૈયાર ન હતું જયારે બીજી લહેરમાં એક સાથે 50 થી 60 મૃતદેહોના અંતિમ સંસ્કાર થતાં હતાં. નર્મદા નદીમાં પુર સહિતની અનેક અડચણો વચ્ચે ધર્મેશ સોલંકી તથા તેમની ટીમે બે હજાર કરતાં વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.

કોવીડ સ્મશાન ખાતે છેલ્લે 19મી જુનના રોજ બે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. 19મી જુન બાદ કોવીડ સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહ માટે આવતાં મૃતદેહો બંધ થઇ ગયાં હતાં. આજે રવિવારે એક મહિના અને ચાર દિવસ બાદ ફરીથી સ્મશાનગૃહમાં ચિતા સળગતી જોવા મળી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દી કોરોના સામેનો જંગ હારી ગયો હતો. તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કોવીડ સ્મશાન ખાતે લવાયો હતો. 35 દિવસ બાદ સ્મશાનગૃહમાં ફરીથી ચિતા સળગી હતી અને ચિતામાંથી નીકળતાં ધુમાડાઓ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતના એંધાણ આપી આકાશમાં વિખરાય ગયાં હતાં. કોરોનાની બીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં હજારો લોકો પોતાના જીવ ગુમાવી ચુકયાં છે. કોરોનાથી બચવા માટે ગાઇડલાઇનનું પાલન કરવું અતિ આવશ્યક બની ગયું છે.

Next Story