Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદમાં DGVCLની વીજીલન્સ ટીમના દરોડા, રૂ. 40.10 લાખની વીજચોરી ઝડપાય...

ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિતના પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.

X

ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિતના પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 40.10 લાખની વીજ ચોરી પકડાઈ હતી. વીજીલન્સ ટીમે મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચના આમોદ પંથકમાં આજરોજ વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે આમોદ નગર સહિત આછોદ, મછાસરા, કેરવાડા, કોલવણા અને રોઝા-ટંકારીયા ગામે દરોડો પાડી 2,046 વીજ કનેકશન ચેક કર્યા હતા. જેમાં લંગર તેમજ અલગથી સર્વિસ વાયર નાખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા 56 કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ વીજચોરી કરતાં લોકોને રૂ. 40.10 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આછોદ ગામે પાણીનો ફિલ્ટર વૉટર પ્લાન્ટ પણ વીજ ચોરીની ઝપટમાં આવ્યો હતો. વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમ સાથે પોલીસના 60થી વધુ જવાનો તેમજ 1 નાયબ પોલીસ અધિક્ષક, 1 પી.આઈ. તેમજ 4 પી.એસ.આઈ પણ બંદોબસ્તમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજીલન્સની ટીમે દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. તો બીજી તરફ, આમોદના જુનિયર ઇજનેરે જણાવ્યું હતું કે, લોકો વીજ ચોરી કરતા અટકે તે માટે આ જ રીતે વીજ ટીમ દ્વારા અવારનવાર દરોડા પાડવામાં આવશે.

Next Story