ભરૂચ : એગ્રીકલ્ચર કોલેજની હોસ્ટેલ નજીક ગંદકીનું સામ્રાજ્ય, વિદ્યાર્થીઓ બન્યા રોગચાળાનો ભોગ...

બેદરકાર રહેતાં પાલિકા તંત્રના પાપે કોલેજમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. એક બાદ એક વિદ્યાર્થીઓ રોગચાળાની ઝપેટમાં આવતા 30થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

New Update
ભરૂચ : એગ્રીકલ્ચર કોલેજની હોસ્ટેલ નજીક ગંદકીનું સામ્રાજ્ય, વિદ્યાર્થીઓ બન્યા રોગચાળાનો ભોગ...

એગ્રીકલ્ચર કોલેજની હોસ્ટેલ નજીક ગંદકીનું સામ્રાજ્ય

ડેન્ગ્યુ અને મલેરિયામાં 30થી વધુ વિદ્યાર્થીઓ સપડાયા

પાલિકા દ્વારા સફાઈ થાય તેવી એગ્રીકલ્ચર કોલેજની માંગ

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તાર સ્થિત એગ્રીકલ્ચર કોલેજની હોસ્ટેલ નજીક ઊભરાતી કચરા પેટી અને હંગામી રીતે બનાવી દીધેલા ડમ્પીંગ સાઈડના કારણે ગંદકીના સામ્રાજ્યથી કોલેજના વિદ્યાર્થીઓમાં રોગચાળાની દહેશત ફેલાય છે. ભરૂચ શહેરના મકતમપુર રોડ પર આવેલ એગ્રીકલ્ચર કોલેજ હોસ્ટેલ નજીક ઊભરાતી કચરા પેટી અને હંગામી રીતે બનાવી દીધેલી ડમ્પીંગ સાઈડના કારણે ગંદકીના સામ્રાજ્યથી કોલેજના 30થી વધુ વિદ્યાર્થીઓ ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતની બીમારીનો ભોગ બન્યા છે.

હાલમાં જ સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીની જન્મજયંતીથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ હવે અસ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય તેવો ઘાટ ઘડાતો જોવા મળ્યો છે, ત્યારે આ અંગે કોલેજ સત્તાધીશો દ્વારા ભરૂચ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તદ્દન બેદરકાર રહેતાં પાલિકા તંત્રના પાપે કોલેજમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. એક બાદ એક વિદ્યાર્થીઓ રોગચાળાની ઝપેટમાં આવતા 30થી વધુ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ હોવાનું કોલેજના પ્રધ્યાપકો અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

તો બીજી તરફ, એગ્રીકલ્ચર કોલેજ દ્વારા આ અંગે પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગંદકી દૂર કરવાની તસદી લેવામાં આવતી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોલેજ દ્વારા રૂપિયા પોણા ત્રણ લાખથી વધુ વેરો નગરપાલિકામાં નિયમિત રીતે ભરવામાં આવે છે, તેમ છતાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવને આ બાબતની જાણ થતાં પાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને તાકીદ કરી ગંદકી દૂર કરવા તેમજ અહી ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ભરૂચમાં ગંદકીના કારણે રોગચાળો માથું ઊંચકી રહ્યો છે, ત્યારે તંત્ર માત્ર સ્વચ્છતા અભિયાન ફોટો સેશન પૂરતું સીમિત રાખવાના બદલે ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરે તે આવશ્યક બન્યું છે.

Latest Stories