Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુલદ ડમ્પીંગ સાઇટમાં આગનું છમકલું, શું GPCB પાલિકાને આપશે નોટીસ ?

ભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટમાં આગના છમકલાથી દોડધામ મચી હતી. શહેરમાં કચરાના નિકાલનો મોટો પ્રશ્નો ઉભો થયો છે

X

ભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટમાં આગના છમકલાથી દોડધામ મચી હતી. શહેરમાં કચરાના નિકાલનો મોટો પ્રશ્નો ઉભો થયો છે તેવામાં ડમ્પીંગ સાઇટમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગની ઘટનાઓમાં કંપનીઓને તાત્કાલિક નોટીસ આપતું જીપીસીબી આ કિસ્સામાં પાલિકા સામે કાર્યવાહી કરે છે કે નહિ તેના પર સૌની મીટ મંડાઇ છે.

ભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટમાં આગનું છમકલું થયું હતું. કચરાના પહાડમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. આખી ઘટનાને સમજતા પહેલાં જોઇએ ડમ્પીંગ સાઇટ શું છે.

ભરૂચ શહેરની અંદાજીત 3 લાખ લોકોની વસતી સામે રોજનો 100 ટનથી વધારે કચરો નીકળે છે. ભરૂચ શહેર ઉપરાંત આસપાસ આવેલી ગ્રામ પંચાયતોનો કચરો પણ પાલિકાની ડમ્પીંગ સાઇટમાં નાંખવામાં આવે છે. 1992ની સાલમાં સાબુગઢ ખાતેની ડમ્પીંગ સાઇટ બંધ કરી માંડવા ગામની સીમમાં ડમ્પીંગ સાઇટ બનાવવામાં આવી હતી. 1992ની આ સ્થળે કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાથી કચરાના ડુંગરો બની ગયાં છે. એક અંદાજ મુજબ આ સ્થળ પર દોઢ લાખ ટન કરતાં વધારે કચરાનો સંગ્રહ થયેલો છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના બદલાયેલા નિયમો તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી ઓકટોબર 2021થી માંડવા ગામની ડમ્પીંગ સાઇટ બંધ કરી દેવામાં આવી છે..

ભરૂચ નગરપાલિકાની ડમ્પીંગ સાઇટની વાત કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી નગરપાલિકા નવી ડમ્પીંગ સાઇટ માટે જગ્યાની માંગણી કરતી આવી છે પણ સ્થાનિક લોકોના વિરોધના પગલે ડમ્પીંગ સાઇટ સ્થાપિત થઇ શકતી નથી. વર્ષોની મહેનત બાદ શહેરી કચરાના નિકાલ માટે વાગરાની સાયખા જીઆઇડીસીમાં જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. આ સ્થળે ભરૂચ તથા આસપાસની નગરપાલિકાઓના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે. માંડવાની ડમ્પીંગ સાઇટ બંધ હોવાથી નગરપાલિકા માટે કચરાના નિકાલની સમસ્યા ઉભી થતાં સાબુગઢ પાસે પાલિકાની ગેરેજની જગ્યા પર કચરો નાંખવાનું શરૂ કરાયું હતું પણ ત્યાં પણ વિરોધ થયો હતો. શહેરમાંથી કચરાના નિકાલની સમસ્યા ઉભી થતાં ફરી બંધ પડેલી ડમ્પીંગ સાઇટ પર ચહલપહલ શરૂ થઇ હોવાનું સ્થાનિકો જણાવી રહયાં છે..

હવે આપણે વાત કરીશું એક મહત્વની બાબતની.... કોઇ પણ કંપનીમાં આગ લાગે ત્યારે જીપીસીબી તરત એકશનમાં આવી નોટીસ ફટકારી દેતું હોય છે હવે સવાલ એ છે કે શું જીપીસીબી ભરૂચ નગરપાલિકા સામે કાર્યવાહી કરશે ખરૂ ? માંડવા બુઝર્ગ ગામની પાલિકાએ બંધ કરેલી ડમ્પીંગ સાઇટ નર્મદા નદીના કિનારે આવેલી છે અને ડમ્પીંગ સાઇટથી નદીના જળ પ્રદુષિત થવાની સંભાવના છે. ડમ્પીંગ સાઇટ પર વર્ષોથી સંગ્રહાયેલા કચરાના ઢગલાઓમાં આગ લાગી છે અને ધુમાડા વાતાવરણને પ્રદુષિત કરી રહયાં છે. કંપનીમાં લાગતી આગ અને ડમ્પીંગ સાઇટમાં લાગતી આગ એ બંને આગ જ છે પણ હવે જોવું એ રહયું કે જીપીસીબી તેનું મુલ્યાંકન કેવી રીતે કરે છે. આગની ઘટનાની જાણ થતાં જીપીસીબીની ટીમ માંડવા બુઝર્ગ ગામની સીમમાં પહોંચી હતી અને તપાસ કરી હતી. હવે જીપીસીબી ભરૂચ નગરપાલિકા સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહયું....

Next Story