/connect-gujarat/media/post_banners/41e6e4b543ca2909cd59f2d2e061053b93b1b2ff55da0796d4b0ebcd296cd288.jpg)
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારના માણખાગત વિકાસ માટેની આગવી પહેલ સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના સભાખંડ ખાતે ગુજરાતનો સૌપ્રથમ ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના દહેજ, વિલાયત અને સાયખા જીઆઇડીસીમાં ઉદ્યોગોને પૂરક વાતાવરણ મળી રહે, તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ આવે અને ઔદ્યોગિક વિસ્તારનો માળખાગત વિકાસ થાય તેવા શુભ આશયથી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના સભાખંડ ખાતે ઔદ્યોગિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાયેલ પરીસંવાદમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, એસ.પી. ડૉ. લીના પાટીલ, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડૉ. સુનિલ ભટ્ટ અને વિલાયત ઉદ્યોગ મંડળના પ્રમુખ આશિષ ગર્ગ સહિત વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે ઔદ્યોગિક વિસ્તારોના વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચાઓ હાથ ધરાય હતી. ભરૂચ જિલ્લા કલેકટરે જે રીતે માય લિવેબલ ભરૂચ કાર્યક્રમ હેઠળ ભરૂચની કાયાપલટ થઈ રહી છે, તે જ રીતે "માય વર્કેબલ દહેજ"ના મંત્ર સાથે ઔદ્યોગિક વિસ્તારની કાયાપલટ કરવા આહવાન કર્યું હતું. તો બીજી તરફ, ભરૂચ જિલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલે પણ પરિસંવાદને આવકારી કાયદો અને વ્યવસ્થા જળવાય તો જ ઉદ્યોગો સારી રીતે ચાલી શકે તેમ કહી પોલીસ દ્વારા ઉદ્યોગો અને લોકોને પૂરક વાતાવરણ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું, જ્યારે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડૉ. સુનિલ ભટ્ટે પણ વાગરાના ધારાસભ્યની એક આગવી પહેલ ગણાવી આ ઔદ્યોગિક પરિસંવાદથી ગુજરાતના અન્ય ઔદ્યોગિક વિસ્તારોને પણ પ્રેરણા મળશે તેમ જણાવ્યુ હતું.
આ પરિસંવાદમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યુ હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રીએ ગુજરાતને શાંતિ અને સલામતી આપી છે. એટલે દેશ વિદેશની વિવિધ કંપનીઓએ અહીં મૂડી-રોકાણ કર્યા છે. ઉદ્યોગોમાં કોઈ ઇરાદાપૂર્વક અકસ્માત નથી કરતું, પરંતું અકસ્માત થઈ જાય તો તેને પહોંચી વળવા આપણી પાસે અદ્યતન સંસાધનો હોવા જોઈએ. દહેજમાં આધુનિક સાધનોથી સજ્જ ફાયર સ્ટેશન ઉભું થાય તે માટે જીઆઇડીસી અને સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં સરકારે હકારાત્મક અભિગમ દાખવતા જમીન ફાળવી આપી હતી, જ્યાં રૂપિયા 25 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન ઉભું કરવાની જવાબદારી દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનને સોંપી હતી. પરંતુ ગમે તે કારણોસર કામગીરી અટકી હતી, તેમ કહી DIAના નવનિયુક્ત પ્રમુખ સુનિલ ભટ્ટને ફાયર સ્ટેશનનું કામ હાથ પર લેવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ ધારાસભ્યએ દહેજમાં અદ્યતન હોસ્પિટલ બનાવવા તથા ભરૂચ દહેજ વચ્ચે મુખ્યમાર્ગની બાજુમાં રેલ્વે ટ્રેક બને અને પેસેન્જર ટ્રેન શરૂ થાય તે માટે પણ સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત વાગરા પંથકના ગરીબ લોકોને તેમનું પોતાનું ઘર મળી રહે તે માટે ઉદ્યોગોને અપીલ કરી હતી. આ સાથે જ ધારાસભ્યએ ઉદ્યોગોને તેમના નામે કનડગત કરતા લુખ્ખા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી, તેમ કહી ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા પણ તેમની સાથે હોવાની હૈયાધારણા આપી હતી.