ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્યપ્રાણી નીલ ગાયનો શિકાર કરનાર 2 શિકારીઓને વાગરા વન વિભાગે નીલ ગાયનું માંસ સહિતના મુદ્દામાલ હે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચના વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્યપ્રાણી નીલ ગાયનો શિકાર કરી માંસ કટીંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે વાગરા વન વિભાગની ટીમે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા. વન કર્મીઓએ સ્થળ પર દરોડો પાડતા વન્યપ્રાણીનું કટીંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. જોકે, શિકારીઓ સ્થળ છોડી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ પરથી માંસ, માંસ કટિંગ કરવાના સાધનો સહિત 2 મોટરસાયકલ જપ્ત કરી હતી. આ સાથે જ માંસના નમૂના લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત હાથ ધરી હતી. જોકે, વનવિભાગે વન્યપ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઇ ગયેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે નીલ ગાયનો શિકાર કરનાર 2 શિકારીઓ ભયભીત થઈ વન વિભાગની કચેરી સમક્ષ હાજર થતાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો મુજબ બન્ને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાગરા વન વિભાગે બન્ને શિકારીઓને રૂપિયા 1 લાખનો દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત નીલ ગાયના શિકારમાં અન્ય કોણ-કોણ સંકળાયેલ છે.?, તે દિશામાં વાગરા રેંજ ફોરેસ્ટ ઓફિસર વી.વી.ચારણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.