Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગાંધી બજારના રહીશોને શું કરવી પડશે "ગાંધીગીરી" ? 45 દિવસથી લોકો છે ઘરોમાં કેદ

રસ્તા અને ગટરની અધુરી કામગીરીથી લોકોમાં રોષ ઠેર ઠેર ખોદકામના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ

X

ભરૂચના ફાટા તળાવથી ગાંધી બજાર સુધી રસ્તા તથા ગટરની કામગીરી અધુરી છોડી દેવાતાં લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકાના ઠાલા વચનોથી કંટાળેલા રહીશો હવે પાલિકા કચેરીને તાળાબંધી કરવાના મિજાજમાં છે. ભરૂચ શહેરના ગાંધીબજારથી ફાટા તળાવ સુધી રસ્તો તથા ગટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. વર્ષોથી સ્થાનિકો રસ્તા તથા ગટરની માંગણી કરી રહયાં હતાં.

લાંબી લડત અને અનેક આંદોલનો બાદ પાલિકાએ આ વિસ્તાર માટે અંદાજે 4 કરોડ રૂપિયા મંજુર કર્યા અને રસ્તા તથા ગટરની કામગીરી શરૂ કરવામાં આવી. કામગીરી શરૂ થતાં વેપારીઓ તથા લોકોને લાગ્યું કે હાશ ચાલો હવે અમારી સમસ્યા દુર થશે પણ તેમની સમસ્યા દુર થવાને બદલે સમસ્યા વધી છે. રસ્તા અને ગટરની અધુરી કામગીરીના કારણે લોકોનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. અમુક વિસ્તારોમાં પેવર બ્લોક નાખવા માટે ખોદકામ કર્યા બાદ કામગીરી જ બંધ કરી દેવામાં આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

ગાંધી બજારથી ભઠીયારવાડ સુધી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે પણ ત્યાંથી ફાટા તળાવ સુધીની કામગીરી છેલ્લા ૪૫ દિવસથી બંધ કરી દેવામાં આવી છે. ફાટા તળાવથી ભઠીયારવાડ સુધીના સ્થાનિક રહીશોએ ૪૫ દિવસથી ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. ખુલ્લી ગટરોના કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. સ્થાનિકો પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને સવાલ પુછી રહયાં છે કે તમે ફાળવેલા ચાર કરોડ રૂપિયા કયાં ગયાં .ભરૂચ નગરપાલિકામાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓ હલ ન થતાં આખરે લોકોએ નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story