Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સરકારી યોજનાઓનો 100% લાભ મેળવતા લાભાર્થીઓ, અમલીકરણમાં દેશમાં પહેલા સ્થાને "ભરૂચ"

X

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રીએ કરેલા દેશ જોગ સંબોધન અને આહવાનને ઝીલી બતાવ્યુ છે. વિધવા, નિરાધાર અને વૃદ્ધ સહાયની 4 યોજનામાં 12,856 લાભાર્થીઓને શોધી 100 ટકા લાભ અપાવવા સાથે ભરૂચ જિલ્લો આ પહેલના અમલીકરણમાં દેશમાં પહેલા સ્થાને પહોચી ગયો છે.

PM નરેન્દ્ર મોદીએ 75માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા પરથી સરકારી યોજનાઓનો દરેક જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે માટે સૌના સાથ, સૌના વિકાસ હેઠળ કામગીરી કરવા આહવાન કર્યું હતું, ત્યારે PMના આહવાનને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝીલી લીધું હતું. જાન્યુઆરી 2022થી 3 મહિના માટે ઉત્કર્ષ પહેલ જિલ્લા વહીવટી તંત્રએ શરૂ કરી હતી. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદનગર, 9 તાલુકા અને 645 જેટલા ગામોમાં આ પહેલ હેઠળ તબક્કાવાર આયોજન ગ્રાઉન્ડ લેવલ સુધી ઘડી કઢાયું હતું.

ભરૂચ જિલ્લામાં સરકારની 4 યોજનાઓ વિધવા સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ યોજના અને કુટુંબ આર્થિક સહાયનો લાભ અપાવવા ઉતકર્ષ પહેલ શરૂ કરાઇ હતી. જેમાં જરૂરિયાતમંદ લોકો સુધી પોહચી શકાય અને 100 ટકા લોકોને આવરી લેવાય તે માટે ઇનસેન્ટીવ પણ સામેલ કરાયું હતું. આ યોજનામાં સહાય લાયક લોકોને શોધવા, ફોર્મ ભરાવવા, ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા શિક્ષિત બેરોજગરોને પહેલા 250 રૂપિયાનું ઇનસેન્ટીવ બાદમાં 500 રૂપિયાનું ઇનસેન્ટીવ ફોર્મ દીઠ અપાયું હતું. જોકે, જિલ્લા કલેકટરની આ પહેલમાં ઉદ્યોગકારો પણ જોડાયા હતા. જેઓએ પોતાના CSR ફંડ હેઠળ રૂપિયા 20 લાખ વહીવટી તંત્રને ફાળવ્યા હતા. આજે ભરૂચ જિલ્લો ચારેય યોજનામાં 12,856 લાભાર્થીઓને લાભ અપાવી દેશમાં 100 ટકા સિદ્ધિ હાંસલ કરતો એકમાત્ર સંભવત જિલ્લો બની ગયો છે, ત્યારે બીજી તરફ યોજનાથી વંચિત લોકો પણ મોટી સંખ્યામાં લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

Next Story