ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસા કથા પારાયણ, શોભાયાત્રા, મારુતિ યજ્ઞ, મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ શહેરના ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ખત્રીવાડ ખાતે જીર્ણોધ્ધાર કરી નવનિર્માણ કરાયેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ગત તા. 20 મેથી 22 મે એમ 3 દિવસ દરમ્યાન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પોથીયાત્રા, હનુમાન ચાલીસા કથા પારાયણ, શોભાયાત્રા, મારુતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. પાટોત્સવના સમગ્ર 3 દિવસ દરમ્યાન સાંજે 7:30થી રાત્રે 11 કલાક સુધી આયોજિત હનુમાન ચાલીસા પારાયણ કથાનું રસપાન સારંગપુરવાળા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્ય પ્રકાશદાજીએ રસાળ શૈલીમાં કરી મારુતિ ભકતોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. તો બીજી તરફ, શોભાયાત્રામાં હરિયાણાથી સૌપ્રથમવાર ભરૂચ ખાતે આવેલ બાહુબલી હનુમાનજીએ પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, ખત્રી સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુ ભાઈ-બહેનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.