ભરૂચ : શીતળા સાતમે વાસી ખોરાક આરોગવાથી રાજપરડીની ડી.પી.શાહ શાળામાં વિદ્યાર્થીઓની તબિયત લથડી : ઝઘડીયા મામલતદાર

ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં આજરોજ અભ્યાસ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે પ્રથમ 3થી 4 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી

New Update
ભરૂચ : શીતળા સાતમે વાસી ખોરાક આરોગવાથી રાજપરડીની ડી.પી.શાહ શાળામાં વિદ્યાર્થીઓની તબિયત લથડી : ઝઘડીયા મામલતદાર

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં એક સાથે 15થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં આજરોજ અભ્યાસ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે પ્રથમ 3થી 4 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. તેઓને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમ્યાન અન્ય વિદ્યાર્થીઓએ પણ ગભરામણ થવાની ફરિયાદ કરી હતી. એક પછી એક 15થી વધુ વિદ્યાર્થીઓએ આ અંગેની ફરિયાદ કરતા તેઓને પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


જેમાં 3 વિદ્યાર્થીનીઓની તબિયત વધુ લથડતા 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબ ડો. કથા વ્યાસે દર્દીઓને સારવાર આપી હતી. હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. આ અંગેની જાણ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને કરવામાં આવતા અધિકારીઓએ આ બાબતે તપાસ શરૂ કરી હતી. જેમાં ગઈ કાલે શીતળા સાતમ નિમિત્તે વાસી ખોરાક આરોગવાથી આ વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો ઝઘડીયા મામલતદાર કચેરી દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories