ભરૂચ : ગરીબ કલ્યાણ મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 20 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જીલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો

New Update
ભરૂચ : ગરીબ કલ્યાણ મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 20 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું

ગુજરાત રાજ્યની વિવિધ વિકાસલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જીલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું દિપ પ્રગટાવીને ઉદઘાટન કર્યા બાદ સમારંભના અધ્યક્ષ માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, વિવિધ વિકાસલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળે તેવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરાહનીય કામગીરી શરૂ કરી છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ પરિવારો સ્વાવલંબન અને સક્ષમ બન્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ગરીબોને ઓશિયાળાપણામાંથી મુક્ત કરવા ગરીબ કલ્યાણ મેળાનો જન સેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોચાડ્યો છે. ઉપરાંત સરકારના ગરીબ કલ્યાણ મેળાથી વચેટીયાની પરંપરા નાબૂદ થઇ છે. ગરીબોના હક્કના નાણાં સીધા જ તેમના હાથમાં આપીને હજ્જારો ગરીબોને લાભ આપી આત્મનિર્ભર બનાવ્યા છે ત્યારે આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં 6317 લાભાર્થીઓને રૂપિયા 20 કરોડના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, જિલ્લા કલેક્ટર ડો. તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories