ભરૂચ શહેર તથા જિલ્લામાં 75મા સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાય હતી. વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યાં હતાં.
અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયાંને આજે 75 વર્ષ પુર્ણ થયાં છે. દેશની આઝાદીના પર્વની રવિવારના રોજ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચની જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અલ્પાબેન પટેલ, નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાય હતી.
અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારંભ જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ અવસરે કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
અંકલેશ્વરની કડકીયા કોલેજ ખાતે પણ પ્રાધ્યાપક પ્રવિણ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કોલેજના સ્ટાફ તથા છાત્રોએ રાષ્ટ્રગીતની મધુર સુરાવલી વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ભરૂચ તથા અંકલેશ્વરમાં અન્ય સ્થળોએ પણ દેશપ્રેમની ભાવના સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી આઝાદીનો જશ્ન મનાવાયો હતો.