ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પંચાયત કચેરીનો મિલકત વેરો રૂ. 4.98 લાખ બાકી પડતો હોય પાલિકા તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વર્ષ 2022-23નો રૂપિયા 7 કરોડ 99 લાખ 51 હજારની રકમ બાકી પડે છે. જે પૈકી વર્ષ 2021-22માં 1 કરોડ 40 લાખ 37 હજાર વેરા ભરપાઈ કરવામાં આવી છે. જેને લઈ પાલિકા તંત્ર દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરતા મિલકતો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગતરોજથી નગરપાલીકાના બાકી પડતા વેરા અંગે વારંવાર નોટીસો પાઠવવા છતાંય વેરા ભરપાઈ નહીં કરતા મિલ્કત ધારકોની મિલ્કતો સીલ મારવામાં આવી રહી છે.
જે અંતર્ગત જંબુસર તાલુકા પંચાયત કચેરીનો રૂ. 4.98 લાખ વેરો બાકી પડતો હોય, ત્યારે કચેરી ખૂલતાની સાથે જ પાલિકા કર્મચારીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી જઈ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં વહેલી તકે નગરપાલીકાના બાકી વેરાના નાણાં ભરપાઇ કરવા જણાવ્યું હતું. પરંતુ પાલિકા તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે સીલ મારવામાં આવતા સન્નાટો છવાયો હતો. નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરી સહિત અન્ય વેરા બાકીદારોની મિલકતો સીલ કરવાની હોય, ત્યારે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.