ભરુચ જીલ્લામાંના જંબુસરમાં ઠેર ઠેર ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે જંબુસરના વેપારી એસોસીએસન દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીની મુલાકાત કરી જંબુસરની સમસ્યાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી.
ભરુચ જિલ્લાના જંબુસરમાં ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય છે અને જંબુસર બજારમાં પણ જયા જોવો ત્યાં ગંદકી જોવા મળે છે. નગરપાલિકા તરફથી અપાતી ડોર તું ડોર સુવિધા પણ મળતી નથી જેના કારણે નગરનો કચરો જ્યાં ત્યાં ફેલાયેલો રહે છે. ગટરો ઉભરાતા બજારમાં પાણી પાણી થઈ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈ જંબુસર વેપારી મંડળના સભ્યોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જંબુસર ડેપોથી લઈ કોટ દરવાજા અને કોટ દરવાજાથી લઈ સોની ચકલા સુધી ટ્રાફિકની સમસ્યા ખુબ રહે છે. તો બજારના આ મુખ્ય માર્ગ પર પોલીસ પોઇન્ટ મૂકી વનવે કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. જયારે જંબુસર વેપારી મંડળના પ્રમુખ સંતુભાઈ સોનીએ જંબુસર પી આઈ રબારીને રજુઆત કરતા તેમણે નગરપાલિકા પાસે જવા જણાવ્યું હતું. આમ જંબુસર વેપારી મંડળના સભ્યો દ્વારા વિવિધ મુદ્દે જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી.