ભરૂચ શહેર તથા જીલ્લામાં આજથી જવારાની પૂજા-અર્ચના સાથે કુવારીકાઓએ ઉત્સાહ સાથે ગૌરીવ્રતનો પ્રારંભ કર્યો છે. જોકે, કોરોના મહામારીના કારણે મંદિરોમાં ગૌરીવ્રતની પુજા માટે આવતી બાળાઓની ભીડ પણ ઓછી જોવા મળી હતી.
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. ગૌરી એ દેવી પાર્વતીનું જ નામ છે, ત્યારે નાની બાળાઓ ગૌરીમાં નું પૂજન કરીને 5 દિવસ અલૂણાં એટલે કે, મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે. આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં તે શિવપાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે.
જોકે, ભરૂચ શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે તહેવારોના ઉત્સાહની મજા બગડી હોય તેમ મંદિરોમાં પણ દર વર્ષની જેમ ગૌરીવ્રત માટે આવતી બાળાઓની ભીડ ઓછી જોવા મળી હતી.