Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, ઠેર ઠેર શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

ભરૂચ શહેર તથા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક, દાંડિયાબજાર, આચારજી બેઠક, દશાશ્વમેઘ ઘાટ તેમજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

X

ભરૂચ શહેર તથા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક, દાંડિયાબજાર, આચારજી બેઠક, દશાશ્વમેઘ ઘાટ તેમજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

ભરૂચ શહેર તથા જિલ્લામાં મહા શિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના દાંડિયાબજાર સ્થિત પૌરાણિક ગંગાનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ સાથે શિવજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે, જ્યારે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ બરફનું શિવલિંગ બનાવામાં આવ્યું છે. તો ભરૂચ શહેરના કસક સર્કલ નજીક શિવભક્તો શિવજીની સુંદર રંગોળી બનાવવા માટે શિવમગ્ન બન્યા હતા. આ સાથે જ ભરૂચ શહેરના જિલ્લા પંચાયત નજીક આવેલ આચારજી બેઠક વિસ્તાર સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોની લાંબી કતાર લાગી હતી, જ્યાં શિવભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળના અભિષેક થકી મહાદેવની પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે ભાંગની પ્રસાદીની વ્યવસ્થા પણ કરવા માં આવી હતી.

તો બીજી તરફ, ભરૂચના નર્મદા નદીના પાવન તટે દશાશ્વમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે શિવોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગની પૂજા સાથે ભાંગ અને ફરાળી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરતી તેમજ સાંજે ચાર પ્રહરની પૂજાનું પણ શિવ ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આજે મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર ભરૂચ શિવમય બન્યું હતું.

આ તરફ, ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ શિવમંદિર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર ખાતે શિવભક્તોની લાંબી કતારો લાગતાં મંદિર પરિસરમાં જાણે મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યના શિવભક્તોએ પણ અહી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Next Story