સમગ્ર ગુજરાતમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદા સહિતના મુદ્દે માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં આહીર તેમજ માલધારી સમાજ દ્વારા દૂધ-હડતાળ યોજી વિરોધ દર્શાવાયો હતો.
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદા સહિતના મુદ્દે માલધારી સમાજમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી શરૂ થયેલી દૂધની અછત બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ હતી. સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર 'દૂધ નથી'ના પાટિયા લાગી ગયા હતા. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરી સંચાલકોએ પણ પોતાની ડેરી બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ, ભરૂચના વાગરા ખાતે માલધારી સમાજના આગેવાનો ભેગા થયા હતા, જ્યાં ઢોર નિયંત્રણ બિલ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ હજારો લીટર દૂધનું નર્મદા નદીમાં અભિષેક કરવામાં આવશે તેવું પણ માલધારી સમાજે જણાવ્યુ હતું.
તો બીજી તરફ, ઢોર નિયંત્રણ બીલના પગલે ભરૂચ જીલ્લામાં માલધારી સમાજની દૂધની હડતાળ યોજાય હતી. ભરૂચનો માલધારી સમાજ દૂધના કેન સાથે ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મંદિરના ઓવારે પહોચ્યો હતો, જ્યાં તેઓએ નર્મદા નદીના નીરમાં દૂગ્ધાભિષેક કરી કાયદા પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. હજારો લીટર દૂધનું વિતરણ બંધ કરી દૂગ્ધાભિષેક સાથે માલધારી સમાજે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત સિવિલ હોસ્પિટલના દર્દીઓ સહિત જરૂરિયાતમમંદોને દૂધનું વિતરણ કરાયું હતું. જોકે, માલધારી સમાજ ભેગો થતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
જોકે, માલધારી સમાજના બંધના એલાન દરમ્યાન ભરૂચની દૂધધારા ડેરી દ્વારા લોકોને દૂધ મળતું રહે તે માટે આગોતરી તૈયારી કરવામાં આવી હતી. જેના કારણે શહેરની જનતામાં દૂધની બૂમો ઉઠવા પામી ન હતી. ભરૂચ તેમજ નર્મદા જિલ્લાની જનતાના દૂધની જરૂરિયાત પૂર્ણ કરતી દૂધધારા ડેરી દ્વારા માલધારી સમાજના બંધના એલાનના પગલે તમામ દૂધ કેન્દ્રો પર કોઈ પણ અડચણ વિના દૂધ પોહચાડવામાં આવ્યું હતું. દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગર પટેલે આ અંગે માહિતી આપી લોકોને અવિરતપણે દૂધ મળતું રહેશે તેવી ખાતરી આપી હતી.