ભરૂચમાં મોનાના નિધન બાદ ઘેરા શોકની લાગણી ફરી વળી છે. મોના એ કોઇ યુવતી નથી પણ એક અંધ માદા વાનર છે. સારવાર દરમિયાન તેનો જીવનદીપ બુઝાય જતાં નર્મદા તટે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
ભરૂચ શહેર અને જિલ્લામાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા અબોલ જીવોની સેવા કરવાનું અભિયાન ચાલી રહયું છે. ભરૂચના વનવિભાગ તરફથી સંસ્થાને એક અંધ માદા વાનર સારસંભાળ માટે આપવામાં આવ્યું હતું. સંસ્થાએ માદા વાનરને મોના નામ આપી તેની ચાકરી શરૂ કરવામાં આવી હતી. થોડા જ સમયમાં મોના મન મૈત્રી પરિવારનો એક ભાગ બની ગઇ હતી.
ગતરોજ સારવાર દરમિયાન મોનાએ કાયમના માટે આંખો મીચી દીધી હતી. મોનાની અણધારી વિદાયથી મન મૈત્રી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પાવન સલિલા મા નર્મદાના તટે મોનાના શાસ્ત્રોકત વિધિથી અંતિમ સંસ્કાર કરાયાં હતાં.