Connect Gujarat
ભરૂચ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો નર્મદા LCB પોલીસ બુટલેગરો પાસેથી 35 લાખ હપ્તો ઉઘરાવતી હોવાના આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામમાંથી નર્મદા LCB પોલીસ દર મહિને 35 લાખ રૂપિયા હપ્તો લેતી હોવાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો છે

X

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામમાંથી નર્મદા LCB પોલીસ દર મહિને 35 લાખ રૂપિયા હપ્તો લેતી હોવાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાના નિવેદનને સમર્થન આપી ભાજપના જ હોદ્દેદારો દારૂના ધંધામાં સામેલ હોવાનો આક્ષેપ સાથે આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અવાર-નવાર પોતાના ભાષણો થકી ચર્ચાનું કેન્દ્ર બનતા બનતા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર તેમના નર્મદા LCB પોલીસ અંગેના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા LCB પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ડેડીયાપાડાના કોલીવાડા ગામે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, નર્મદા LCB પોલીસ દર મહિને રૂ. 35 લાખનો હપ્તો લઈ દારૂ વેચાવડાવે છે. સાંસદ મનસુખ વસાવા લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તે જ વખતે તેઓએ દારૂબંધી ઉપર સવાલો ઉઠાવ્યા હતા, અને નર્મદા પોલીસના લોકલ ક્રાઇમ બ્રાંચ ઉપર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે, સોલિયા ગામમાંથી LCB પોલીસ દર મહિને રૂ. 35 લાખનો હપ્તો લઈ દારૂ વેચાવડાવે છે. સાથે સાથે તેઓએ તિલકવાડા વિસ્તારમાં પણ દારૂનું વેચાણ થતું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકો રાત-દિવસ નશામુક્તિના અભિયાન ચલાવે છે, અને અહીંયા દારૂ અને આંકડા જેવા વ્યસનમાં યુવાનોને નાંખવાનો જાણે ધંધો થઈ રહ્યો છે, ત્યારે તેઓએ કેટલાક રાજકારણીઓને પણ આ મામલે નિશાને લીધા હતા.

તો બીજી તરફ, નર્મદા LCB પોલીસ વિભાગ પર સાંસદના ગંભીર આક્ષેપનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાના નિવેદનને સમર્થન આપ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, મનસુખ વસાવા છેલ્લા 30 વર્ષથી સાંસદ છે. રાજ્ય અને કેન્દ્રમાં તેઓની જ સરકાર છે. તેમ છતાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ હોવાનો સ્વીકાર કર્યો તે બદલ ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને અભિનંદન પાઠવી ભાજપના હોદ્દેદારો દારૂના ધંધામાં સક્રિય હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જો, આગામી દિવસોમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે, નર્મદા જિલ્લા પોલીસ પર ભાજપના સાંસદના ગંભીર આક્ષેપોના પગલે પોલીસ સહિત ભાજપમાં અનેક તર્ક-વિતર્કોભરી ચર્ચાએ જોર પકડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Next Story