ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી મનુબર ચોકડી વિસ્તારમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે, ત્યારે એક્સિડન્ટ ઝોન બનેલી મનુબર ચોકડી પર સ્ટ્રીટ લાઇટ તેમજ માર્ગ સમારકામ કરી સુરક્ષા સુવિધા ઊભી કરવામાં તે માટે પાલિકા વિપક્ષના સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચની મનુબર ચોકડીથી દહેજ બાયપાસ રોડ નજીક વારંવાર થતાં અકસ્માતોના કારણે અગાઉ અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે, ત્યારે વધતાં અકસ્માતોને જોતાં મનુબર ચોકડી જાણે મોતની ચોકડી બની ગઈ હોય તેમ સ્થાનિકો માની રહ્યા છે. તો બીજી તરફ, મનુબર ચોકડી પર થતાં અકસ્માતોને નિવારવા હાઈમાસ્ટ ટાવર ઉભા કરવા તેમજ માર્ગનું સમારકામ કરવાની માંગ સાથે પાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પૂર્વ વિપક્ષના નેતા સલીમ અમદાવાદી સહિત અન્ય સભ્યો અને કોંગી કાર્યકરોએ પાલિકા ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી.