Connect Gujarat
ભરૂચ

ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા તોફાની બની, શાસક-વિપક્ષ આવ્યા આમને-સામને..!

ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી.

X

ભરૂચ નગરપાલિકાના વર્ષ 2023-24 માટે 168 કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મળેલી ખાસ સામાન્ય સભામાં પાણી વેરા વધારા મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુદ્દે શાસક પક્ષ પર પસ્તાળ પાડી હતી.

ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી. જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની ચર્ચા અને આક્ષેપોના કારણે 3 કલાક જેટલી ચાલતા આ બેઠક મેરેથોન બેઠક સાબિત થઈ હતી. બેઠકની શરૂઆતમાં જ વિપક્ષે આક્રમક રીતે શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતા વાતાવરણ ગરમાયું હતું. જેમાં સાબુગઢ પાસે બનાવવામાં આવેલ ઝૂપડપટ્ટીના રહીશો માટેના પ્રધાનમંત્રી આવાસની ફાળવણી નહીં કરવા તેમજ પ્રજાના નાણાંનો વ્યય કરાયો હોવાનું જણાવી વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત 2018 બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષ 2023-24ના બજેટમાં પાણી વેરામાં 990 રૂપિયાના 1500 એટલે કે, 50 ટકાનો વધારો અને સફાઈ વેરામાં પણ 5 ટકાના સૂચિત વધારાના મુદ્દે વિપક્ષે વિરોધ કરી વાંધો રજૂ કર્યો હતો. તો શાસક પક્ષે આ અંગે વાંધા સૂચનો મંગાવીને બાદમાં અમલ માટે હા ભણી હતી.

ભરૂચ નગરપાલિકાના આગામી વર્ષના બજેટનો રૂ. 168 કરોડના બજેટમાં આવક અને જાવકના પલડા સરખા કરવામાં આવ્યા છે. જેમાં આગામી વર્ષમાં ખંડેર બનેલ રંગ ઉપવનનું નવીનીકરણ કરવાની તેમજ કોન્વેન્ટ સ્કુલ પાસે બનનારા ઓવરબ્રિજ સહિતના આયોજન માટેની જોગવાઈ કરવામાં આવી છે. મેરેથોન બેઠક બાદ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આગામી આયોજનો અંગે માહિતી આપવા સાથે પાણી પૂરું પાડવામાં રૂ. 13 કરોડથી વધુનો ખર્ચ થતો હોય તે સામે વેરામાંથી માત્ર 3 કરોડની જ આવક થતી, હોય પાણી વેરો વધારવો પડે તેમ કહી વેરા વધારાનો બચાવ કર્યો હતો. વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે કોરોનાના 2 વર્ષના કપરા સમય બાદ પાલિકા દ્વારા વેરામાં વધારો કરવા સામે સખત વિરોધ વ્યક્ત કરી આ મુદ્દે પ્રજા વચ્ચે જવાની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો હતો. બજેટ લક્ષી ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન નરેશ સુથારવાલા, શાસક પક્ષના નેતા રાજશેખર દેશનવર, વોટર વર્કસ સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષમાંથી દંડક હેમેન્દ્ર કોઠીવાલા ઉપરાંત સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ચર્ચામાં સામેલ થયા હતા.

Next Story