/connect-gujarat/media/post_banners/e6b4eccef941125416577f2ea57ec431030913d0b3db358f8d772387c32b9c7f.jpg)
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલ સેવાશ્રમ રોડ ઉપર મયુરી શોરૂમથી આલી માતરીયા તળાવ વિસ્તાર સુધીની 1 કિલોમીટર લાંબી વરસાદી મોટી કાંસના સ્લેબ ઠેક ઠેકાણે પડી ગયા છે. જેના કારણે અહીના સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી પડી રહ્યો છે. એટલું જ નહીં, અહી એક મહિલાનું પડી ગયા બાદ મોત પણ થયું હતું. ઘણા લોકો દરરોજ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે, ત્યારે નગરપાલિકાએ મોડે મોડે એક નાનું ગાબડું પુરવાનું શરૂ કરતાં સ્થાનિકો વિફર્યા હતા, જ્યાં પાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કામગીરીને કામગીરી બંધ કરાવી હતી.
રાજ્યમાં ચૂંટણી બાદ હવે વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં પણ વિકાસ આંખે ઉડીને વળગે તે માટે પાલિકા આયોજન કરી રહી છે. તેવામાં માતરીયા તળાવ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ઘણી બધી જગ્યાએ ધસી પડ્યો છે. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ હોવાથી અંધારપટના કારણે અનેક રાહદારીઓ કાંસમાં ખાબકી રહ્યા છે. જોકે, ચૂંટણી ટાણે પ્રચારમાં નીકળેલા નેતાઓએ ગટરના સ્લેબ બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું, ત્યારે હવે ચૂંટણી પૂર્ણ થતાં વચનબદ્ધ કામો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ લાકડા અને લોખંડના સળિયા મૂકી સ્લેબ ભરવાનું કાર્ય કરાતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. લોકોને જાણે લોલીપોપ આપવાનું કામ શરૂ કર્યું હોય તેવા આક્ષેપો સાથે સ્થાનિકોએ કામ અટકાવ્યું હતું.