ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે શનિવારના રોજ પ્રાથમિક ચિકિત્સા સંદર્ભમાં તાલીમ શિબિર યોજવામાં આવી હતી.
પ્રોલાઈફ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદના સંયુકત ઉપક્રમે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવી રહયાં છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ફર્સ્ટ એઇડ ( પ્રાથમિક ચિકિત્સા) અંગે તાલીમ આપવામાં આવી હતી. શિબિરનું આયોજન ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે કરાયું હતું.
ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ઈન્દિરાબેન રાજ, વાઇસ ચેરમેન જગદીશ પરમાર, શાસનાધિકારી નિશાંત દવે અને લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણીની હાજરીમાં શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી. વડોદરાના તબીબ અને ફર્સ્ટ એઇડ ટ્રેનર ડૉ. કમલ જૈને શિક્ષકોને તાલીમ આપી હતી. જેમાં શાળા અથવા ઘરમાં કોઈ ઘટના બને અને શરીરે ઇજાઓ થાય, ફ્રેક્ચર થાય, બ્લડ પ્રેશર વધે- ઘટે, ઝાડા ઉલટી, તાવ સહિતની તકલીફ ઊભી થાય ત્યારે સારવાર કેવી રીતે આપવી તેની તાલીમ આપવામાં આવી હતી.. હૃદય રોગ જેવી ઘટનામાં દર્દીને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં તેનો જીવ બચાવવા શું કરી શકાય તે અંગે પ્રેક્ટિકલ સાથે સમજાવવામાં આવ્યું હતું.