સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની જે.પી.કોલેજના ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોના માનસ પટલ પરથી વિસરાતી જતી જૂની રમતોને પૂર્ણ જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે રમત સ્પર્ધા યોજાય હતી.
આજે તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા, જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું. સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સન્યાસ લઇ લીધો હતો. ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંશના શિષ્ય બન્યા બાદ જ્ઞાનની પ્રાપ્તિ થઇ. 39 વર્ષની અલ્પઆયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ભારતમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચની જે.પી.કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ-ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેવી કે, રસા ખેંચ, લીંબુ ચમચી સહિતની રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી. આ સાથે જ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે પોતાના એક વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે, ત્યારે આજે સ્વામી વિવેકાનંદના વિચારો સાકાર થવા તરફ તેજ ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જે.પી.કોલેજના આચાર્ય એમ.એમ.પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ ઝોન સંયોજક હર્ષિત દેસાઈ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.