ભરૂચ : દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો, પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે કરાયું વિશેષ આયોજન

New Update
ભરૂચ : દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો યોજાવા જઈ છે, ત્યારે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી સ્થિત પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી અટકી પડેલી જનજીવનની ગાડી હવે પાટા પર આવી ચૂકી છે. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ લોકો હવે નવલા નોરતા માટે સજ્જ બન્યા છે. આ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા જઈ રહ્યા છે, ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવી રહી છે. બાળકીઓ અને યુવતીઓ સલામતી સહિત સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી સ્થિત પોલીસ હેડક્વાટરના વિશાળ મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે આવી ગરબાની રમઝટ માણી શકશે, ત્યારે ગરબા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થાય તે માટે તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.