જય હનુમાન જ્ઞાન ગુણ સાગર.. જય કપિશ તિહુ લોક ઉજાગર, હનુમાન ચાલીસાની દરેક પંક્તિ આપણી અંદર નવી ઉર્જાનો સંચાર કરે છે. ભરૂચના દરેક મંદિરોમાં સવારે હનુમાન ચાલીસાનું સ્મરણ કરી શકાય તે માટે મંદિરોમાં લાઉડ સ્પીકર અને એમ્પલીફાયરનું દાન આપવામાં આવશે..
હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાન ચાલીસા સાંભળવાથી નવી ઉર્જાની પ્રાપ્તિ થાય છે. સર્વ રોગોથી રક્ષણ તેમજ નકારાત્મકતા દૂર થાય છે એ હેતુથી દરરોજ હનુમાન ચાલીસાનું સ્મરણ કરવું હિતાવહ છે. આવા સંજોગોમાં જો મંદિરમાં જ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય... બસ આ વાતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી આગેવાન અને કોંગ્રેસના યુવા નેતા યોગી પટેલે તેમના 31મા જન્મદિવસે અનોખો સંકલ્પ કર્યો છે. તેઓ જિલ્લાના 31 મંદિરોમાં લાઉડ સ્પીકર અને એમ્પલીફાયરના સેટ ભેટમાં આપશે. આજે તેમના જન્મદિવસના અવસરે તેમણે જયોતિનગર ખાતે મહાદેવના મંદિરમાં પુજા અર્ચના કરી નુતન સંકલ્પ લીધો હતો. ઝાડેશ્વર ગામના નવયુવાનો પણ તેમની સાથે આ ઉમદા કાર્યમાં સહભાગી બનશે.